દિવ્ય અને ભવ્ય એવો પાષાણ યુગનો ભૂતકાળ ધરાવતી ધીંગી ધરા એટલે મહેસાણા જિલ્લાનું લાંઘણજ ગામ. સ્વયંભુશ્રી પીપંળેશ્વર દાદાનું સાનિધ્ય જે ભૂમિ સાથે જોડાયેલું છે. જે પ્રજાના રૂવે રૂવે અને શ્વાસે શ્વાસે શ્રી પીંપળેશ્વર દાદાના અહર્નિશ જાપ થાય છે તેવા ગામ સાલડી સ્થિત શ્રી પીંપળેશ્વર દાદા લાંઘણજની ભૂમિનો તેમજ આજુ બાજુના ગ્રામજનોનો ઈતિહાસ ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે. મળતી માહીતી મુજબ ગુજરાતના મધ્યયુગમાં અનેક નાના – મોટા રજવાડા અસ્તિત્વ ધરાવતાં હતા તે પૈકી ચાંપાનેરમાં પતેયરાજાનું શાસન હતું. તેના દરબારમાં લાંઘણજના પૂર્વજ એવા સુરસિંહ પટેલ પ્રતિષ્ઠિત પદ શોભાવતા હતાં. રાજાના પાપથી ખિન્ન અને કોપાયમાન થયેલ મહાકાળી માતાએ પતેયરાજાને શ્રાપ આપ્યો. લાંઘણજના પૂર્વજો માતાજીના પરમભકત હતાં. પોતાના શ્રાપથી ચાંપાનેરનું પતન થાય, વિનાશ થાય ત્યારે પોતાના ભકતને પણ તેનો ભોગ ન થવું પડે તે માટે માતાજીએ આ સ્થળ છોડી અન્યત્ર ચાલ્યા જવાનો આદેશ સ્વપ્નમાં આપી દીધો. કઈ દિશામાં જવુ તે પણ જણાવ્યું અને કહયુ તમો જયાં જશો ત્યાં ભોળાનાથ તમને પ્રસન્ન થશે જ...એવી હૈયાધારણ અને અભયવચન પણ આપ્યા.
માતાજીના આદેશ પ્રમાણે અગમબુધ્ધિ સુરસિંહજી વિ.સં.૧૦૪પ માં મહંમદ બેગડો ચાંપાનેર પર આક્રમણ કરી ચાંપાનેરનું પતન કરે તે પહેલા ચાંપાનેરને અલવિદા કરી સંવત ૯૧પ વૈશાખ સુદ –૯ના રોજ અમદાવાદ બાજુ મીઠાખળી થઈને ચંદ્રભાગા નદીને કાંઠે કાળીગામ વસાવી કોટ બંધાવ્યો. આજે પણ આ કોટ મોજુદ છે. સમય જતાં કોઈક સામાજિક પ્રસંગે કોઈના કડવા મહેણાના મારથી બેચેન બનેલા સુરસિંહજીના વંશજોએ કાળીગામ છોડી સંવત ૧૩૦૬ વૈશાખ સુદ –૩ના રોજ લંગરપુર (હાલનું લાંઘણજ) માં વસવાટ કર્યો. હાલના સાલડી ગામના શ્રી પીંપળેશ્વર દાદાના સાનીધ્યમાં મંદિરની સામે તળાવના કિનારે વસવાટ કરેલ. જે હાલનું જંથોડા તળાવ છે. જંથોડા તળાવનું નામ જેથાભા પરિવારથી પાડવામાં આવ્યું છે. જે પરિવારો હાલ લાંઘણજ ગામમાં મોજુદ છે. જેથાભાને ચાર દિકરા વસનદાસ, લાલજીદાસ,કાનજીદાસ અને હરીદાસ પરિવારને અહીના ગીચ વનરાજીમાં કુદરતના ખોળે તેમના મનને શાંતિ મળી. આ સ્થળે ખમીરવંતા અને ખુમારીભર્યા એવા આ લાંઘણજના પૂર્વજો મહાકાળી માતા અને ભોળા શંભુ મહાદેવની અખંડ ભકિત અને શ્રધ્ધાના દિવ્ય બળથી ટકી રહયા અને સુખ સમૃધ્ધિને પામ્યા. સુરસિંહજીના સાતમી પેઢીએ પેથાભાઈ પટેલ થઈ ગયા. તેઓ ખેતી કરતા અને ગાયો રાખતા. તેમની એક ચમત્કારી કામધેનુ જેવી ગાય હતી જે ખુબ જ દૂધ આપતી. તેનુ દૂધ ઝરી જતું. આથી તેઓ વ્યથિત થઈ ગોવાળ પર ગુસ્સે થયેલા. ત્યારબાદ પેથાભાઈને મહાદેવજીએ સ્વપ્નમાં દર્શન દઈ જણાવ્યું કે આજે તુ દિવસ દરમિયાન નજર રાખ ગાય જયાં દૂધનો અભિષેક કરે છે ત્યાં મારો વાસ છે. હું તારા પર પ્રસન્ન છું. તુ એ પીંપળા પાસે મારું સ્થાનક બનાવ. બસ એ જ આ સ્થાનક એ સાલડી ગામ. જે વર્ષોથી સ્વયંભુશ્રી પીંપળેશ્વર મહાદેવના નામે લોકજીભે લેવાય છે. અને લોક હૈયે વસેલું છે. સંવત ૧૯ર૦માં પેથાભાઈ પટેલ પરિવારના વંશજ શામજીભાઈએ આ નાનકડા મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો. ભગવાન ભોળાનાથ શિવપ્રેમી અને શિવભકતોની રક્ષા, વંશવૃધ્ધિ અને સમૃધ્ધિ કરતાં રહયા. ત્યારપછી પ્રજાવત્સલ ધર્મપ્રેમી ગાયકવાડ રાજાએ આ મંદિરનો પુનઃજીર્ણોધ્ધાર કરી ફરતે કોટ બંધાવી મંદિરને શોભાયમાન કર્યુ. તે વખતે આ મંદિરનો વહીવટ ગાયકવાડી સુબાઓ સંભાળતાં હતા. ઈ.સ.૧૯૪૭માં દેશ આઝાદ થતાં પરદેશી રાજયોનો યુગ આથમી ગયો. સાલડી ગામે આવેલા આ મંદિરનો વહીવટ વર્તમાન સરકારે સંભાળી લીધો. મામલતદારશ્રી વહીવટદાર તરીકે કામ કરતાં હતા. આ પંથકના આજુબાજુના ગામના શિવભકત ભાવિક આગેવાનોએ શ્રી પીંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટની રચના કરી. સરકાર પાસેથી વહીવટ લઈ ટ્રસ્ટે પોતે વહીવટ સંભાળી લીધો. આજે પણ આ ટ્રસ્ટ ખુબજ શ્રધ્ધાથી અને પ્રમાણિકતાથી કામ કરી રહ્યું છે. આ કામમાં આજુબાજુના ગામ લોકોનો અને દરેક ધમર્ના લોકોનો સારો એવો સાથ અને સહકાર મળી રહયો. વડોદરા રાજયના પ્રતિનિધી એવા કડીના સુબા ગણાતા શ્રીમાન મલ્હારરાવ ગાયકવાડને જાણવા મળ્યુ કે સાલડીના શ્રી પીંપળેશ્વર મહાદેવ સ્વયંભુ છે અને ખુદ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ વારાણસી વાસી પોતે જ છે. તેના પારખા માટે શ્રી મલ્હારરાવ સ્વયંભુ શ્રી પીંપળેશ્વર દાદાના મંદિરે પધાયાર્ અને દાદાના દશર્નથી સંતુષ્ટ થયા. તેમને જળાધારીના ઉંડાણ વિશે શંકા થતાં તેમણે તેનું માપ કાઢવા દોરીમાં વીંટી બાંધી જળાધારીનું માપ કાઢવાનો પ્રયત્ન કયોર્ પણ તેમાં તેઓ નિષ્ફળ ગયા. તેઓ કોઈપણ પ્રકારે તેની ઉંડાઈ માપી શકયા નહી. માપવાની દોરી પણ ખુટી પડી. મલ્હારરાવ શ્રી પીંપળેશ્વર દાદાને નમી પડયા.
લાંઘણજના પરમ શિવભકત વંદનીય કુબેરભાની ભકિતની પરિક્ષા લેનારા વામણા સાબિત થયા. દાદાએ કુબેરભાનું રૂપ ધરી સહકાયર્કારો સાથે ખેતરમાં ખાતર(છાણ) ની ટોપલીઓ ઉપાડી કુબેરભાને દશર્ન માટે મંદિર જવાની વ્યવસ્થા કરી આપી. પારખુ લેનારાઓએ કુબેરભાને પગે પડી ક્ષમા માંગી. આવા ઘણા ચમત્કારો ભગવાન ભોળાનાથે કર્યા છે. લાંઘણજના શિવ ઉપાસકશ્રી અમથાભાના ઘરમાં પાણીના ગોળામાં ગંગાજી સાથે પોતે પ્રગટ થઈને પાણીને ઝરણારૂપે મહોલ્લામાં વહેતુ કરી ભોળાનાથે ભકતની લાજ રાખી હતી. જે આજ લાંઘણજ ગામનો મોટો માઢ તરીકે પ્રખ્યાત છે.
સાલડી ગામના ભોળા ભકત એવાશ્રી રામાભાઈ મગનદાસને પુત્રપ્રાપ્તિની ઝંખના પૂર્ણ કરનારા શ્રી પીંપળેશ્વર મહાદેવ કરૂણાના સાગર છે. મંદિર સંકુલમાં ઘણા પ્રયન્ત્નો છતાં પણ મીઠુ પાણી મળતુ ન હતું ત્યારે સાલડીના જોઈતાભા અને પલિયડ ગામના શ્રી મગનભાઈ બ્રહમભટને દાદાએ સંકુલમાં મીઠા પાણીનું સ્થળ સ્વપ્નમાં બતાવ્યું અને સપનું સાચુ પડયું ત્યાથી મીઠુ પાણી મળી આવ્યું. આજની પેઢી કદાચ આ ચમત્કારોમાં ન માને પણ પરમભકિત અને પરમ તપના પ્રભાવે જે અસર ઉભી થાય છે એનુ નામ જ ચમત્કાર છે. ભોળાનાથની કૃપાથી આજુબાજુના ગામના લોકો સુખી અને સમૃધ્ધ છે. દેશ વિદેશમાં પણ આપણા પંથકને ગુંજતો કર્યો છે. શ્રી અને સરસ્વતી કૃપા એ ભોળાનાથનો ચમત્કાર છે. અઢળક સમૃદ્ધિ એ દાદાનો પ્રસાદ છે.
આજે આ મંદિર મિની સોમનાથ ના નામથી ખુબ જ જાણીતુ થયું છે. આપ સૌને અમારી અરજ છે કે જો હજુપણ તમે દાદાના આ સાનિધ્યમાં શિશ નમાવા નથી આવ્યા તો અવશ્ય એકવાર અહી પધારો તમારુ મન ખુબ જ હળવું અને આનંદમય બની જશે. ભગવાન શ્રી પીંપળેશ્વર દાદા આપ સૌ ભકતજનોની મનોકામના પૂર્ણ કરે..